Sunday 7 September 2014

સ્વયંની મથામણ



કાજલ ઓઝા વૈદ્ય લિખિત નવલકથા ''દ્રૌપદી '' પર આધારિત.....

સ્વયંને જ પૂછ્યા સવાલ એવા ને સ્વયં જ જવાબ દઇ બેઠી
જાતને ઓળખવાની મથામણમાં સ્વયં જ બબાલ થઇ બેઠી

સ્વયં જ હારતી મનોયુદ્ધમાં ને સ્વયં જ જિતની બાજી ગોઠવતી
જિત્યાનો અહંકાર એવો ચડતો કે પરાજયને ના સહી શકતી .
સ્વયં જ સારતી અશ્રુ ને સ્વયં જ સ્વયંને સમજાવતી
વાદવિવાદમાં જિતની અપેક્ષાએ જગતમાં એકાકિ થઇ બેઠી

સ્વયં જ ઝાલતી સ્વયંને ને સ્વયં જ સ્વયંને સમજાવતી
હ્રદયે રાખી પ્રિય સખાને  મનની શેરી સજાવતી
સ્વયં જ પામતી સર્વસ્વને ને સ્વયં જ હૈયાને હારતી

સુખની ક્ષણો શોધવાની મથામણમાં મળેલ સુખ પણ ખોઇ બેઠી

માન્યુ હોત કે જે મળ્યું તે સુખ જ છે તો આમ ના બેઠી હોત રેઢી (એકલી)

 ......( સરલ સુતરિયા )..........

હવાની લહેર પર ગીત લખવાની કોશિશ



હવાની લહેર પર ગીત લખવાની કોશિશમાં
નિર્જીવ પ્રતિમાના પાષાણી બદનમાં
 સ્પંદન ફરકી ઉઠે

માતૃભૂમિના ચરણે સર્વસ્વ હોમનારા
કોઇ વિરલાની શહિદી જોઇ અંતરમાં

 વંદન ઝલકી ઉઠે

શૈશવની સ્મૃતિઓ જીવંત કરનારા
કલરવતાં બાળકને જોઇ
આંગણ મલકી ઉઠે

પ્રિયતમની મદહોશ નજરમાં સમાઇને

કાળી ભમ્મર પાંપણને કિનારે
અંજન છલકી ઉઠે


અંતરમાં આળોટતાં અવનવા અઢળક
રંગીન અરમાનોના ઢગ પર
સ્મરણ વલખી ઉઠે

..... સરલ સુતરિયા .....

હજુયે મનમાં જીવે છે ભાવ દુન્યવી જગતના

હજુયે મનમાં જીવે છે ભાવ દુન્યવી જગતના
ધન્યતાને દિવ્યતાનો સાદ સંભળાતો નથી

તાળીઓના ગડગડાટમાં માણે નિજ પ્રશંસાની પળો
અન્યની કદરદાનીનો તલસાટ સંભળાતો નથી

ખુદને માટે તાળી પડે તો ગમે છે સૌને બહુ
ઇતરની રચનાઓમાં પ્રતિસાદ સંભળાતો નથી

એકાંતના અરિસામાં પડે જે પ્રતિબિંબ એ જ સાચું
જાહેરમાં નિખાલસતાનો નાદ સંભળાતો નથી

ગણગણે તો છે સૌ એકાંતની પળોમાં શાનદાર રીતે
સભામાં પોતાને જ પોતાનો અવાજ સંભળાતો નથી

શીખી જઇએ હકારાત્મક સરવાળો કરતાં જો ‘’સરલ ‘’
તો ભાગાકાર ને બાદબાકીનો વાદ સંભળાતો નથી

..... સરલ સુતરિયા ...