Tuesday 11 November 2014

દડમજલ ચાલે અટક્યા વગર



દડમજલ ચાલે અટક્યા વગર
ને મંઝિલ મળે ભટક્યા વગર


ભક્તિના મારગે મળે સિદ્ધિઓ
જો જમાનો રહે ચટક્યા વગર


કોઇ પણ સંબંધમાં અતિ સામિપ્ય
રહેતું નથી કદી ખટક્યા વગર


નવ સિદ્ધિ જીરવવી મુશ્કેલ
સ્વભાવ ન રહે મટક્યા વગર


ઉપરછલ્લું આવરણ જેનું
પ્રસંગે ન રહે બટક્યા વગર


અહંકારનો ટોપલો ઉપાડું
ચિત્ત ન રહે પટક્યા વગર


અર્થનો દાસ લોભી લાલચું
લાલો ન થોભે લટક્યા વગર

........ સરલ સુતરિયા .....

જો જરાયે તાલ તારી સાથમાં હો



જો જરાયે તાલ તારી સાથમાં હો
તો ઘણાંયે હાથ તારી વાટમાં હો

ઓ સખી મુંઝાઇને બેસીશ ના તું
જો જરાયે સાચ તારી વાતમાં હો

મધદરિયે નાવ તારી ના જ ડુબે
જો જરા વિશ્વાસ તારી જાતમાં હો

વાગશે બંસી મધૂર લવલીન તાલે
જો જરાયે તાલ તારી ચાલમાં હો

માનસી મંથન ચળાવે ને મુંઝાયે
જાણે અવઢવની મધૂરી જાળમાં હો

સાફ વાતોની ઝમક એવી જ દીસે
તેજ પ્રતિબિંબીત સો સો કાચમાં હો

જો પ્રતિષ્ઠા અંતરે આકાર લે તો  
ગર્વની છલછલતી ગાગર માપમાં હો

..... સરલ સુતરિયા .....